અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025નો પ્રારંભ
અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025નો પ્રારંભ
Blog Article
અમદાવાદના સાબરમતી રિવકફ્રન્ટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર, 3 જાન્યુઆરીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો હતો. આ વખત ફ્લાવર શોમાં દેશનાં વિકાસની સાથે વારસાની વિગતો અને ભવિષ્યનો માર્ગ જેવા અલગ અલગ વિષયો આધારિત સજાવટ કરાઈ છે. ફ્લાવર શો ૨૨મી જાન્યુઆરી સુધી યોજાશે અને જરૂર પડ્યે વધુ દિવસ લંબાવાશે
અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને ફ્લાવર શોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ વખતનાં ફ્લાવર શોમાં વિશ્વવિક્રમ સર્જે તેવા વિશાળ અને ઉંચો બુકે બનાવવામાં આવ્યો છે. સાત લાખથી વધુ રોપા સાથેની ૪૦૦ ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવી છે. ફ્લાવર શોમાં ૩૦થી વધુ વિદેશી પ્રજાતિનાં ફૂલો નિહાળવા મળશે. તદઉપરાંત અનેકવિધ પ્રકારનાં સ્કલ્પ્ચર રજૂ કરવામાં આવ્યા છે.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ફ્લાવર શોની લોકો આતુરતાથી રાહ જોતાં હોય છે અને ફ્લાવર શોમાં લાખો લોકો ઉમટી પડતાં હોય છે. ઇવેન્ટ સેન્ટરની સામે ટિકિટ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે અને ઓનલાઇન ટિકિટ પણ મેળવી શકાશે. ફ્લાવર શોની મુલાકાતે આવનાર બાગાયત પ્રેમીઓની સુવિધા માટે નર્સરીનાં સ્ટોલ છે તેમજ ખાણીપીણીનાં શોખીનો માટે ફૂડસ્ટોલ પણ ખોલવામાં આવ્યા છે.
ફ્લાવર શૉની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જો કે, ફ્લાવર શૉમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉમાં 500રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10 અને રાત્રિના 10થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે.